ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે. જોકે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હાલ ચોમાસાની વિદાયને સમય છે. હાલ તેના કોઈ એંધાણ નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતમાં વરસાદ, તાપમાન અને પવન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે. 10થી 15મી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, 16મી તારીખથી પવનની સ્પીડ સામાન્યની નજીક આવી ગઈ છે. આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે. જે 30 ડિગ્રી આસપાસ તાપમાન હતું તે 10 સપ્ટેમ્બર પછીથી વધ્યું છે. આજની તારીખમાં આ તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 33થી 35 ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે. આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી જ શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, આ સિસ્ટમ જતી રહેશે તે બાદ બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેનાથી વરસાદ પડે તેવી શક્યતા નથી. આ સિસ્ટમ જશે પછી ધીરે ધીરે ચોમાસાની વિદાય થશે. ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે. ઓક્ટોબરમાં મંડાણિયા વરસાદ થશે એટલે કે, ઘણાં જ છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, ભેજ ઘટવાને કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી. પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે. આ સિસ્ટમ 23-24 તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેમ લાગી રહ્યું છે. રાજ્યનાં 60થી 70 ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે. જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ લાવી શકે છે.