ગુજરાતમાં હાલ ધોધમાર કે અતિભારે વરસાદની આગાહી નથી. રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં થવાની આગાહી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં મેઘરાજાની મહેર થશે કે પછી ચોમાસાની કરવટ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલ અને રમણીક વામજાએ આગાહી કરી છે તે જોઇએ.
ગુરૂવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. સાત દિવસ ગુજરાત રીજનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે તે પછીના બે દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 13 સપ્ટેમ્બરના ઉતરા ફાલ્ગુની નક્ષત્ર બેસે છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે. એટલે કહેવાય છે જો વરસે ઉતરા તો ધન્ય ન ખાય કુતરા, એટલે કે મબલક પાક થાય. 13થી 18 સપ્ટેમ્બરે રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થઇ શકે છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા થઇ શકે છે.
તો બીજી બાજુ આગાહીકાર રમણીક વામજાએ પણ ગુજરાતનાં હવામાન અંગે આગાહી કરી છે. આ નક્ષત્રમાં વરસતો વરસાદ ઝેરી હોવાની આગાહી રમણીક વામજાએ કરી છે. ઝેરી વરસાદ થવાથી પાક પર વિપરીત અસરો થઇ શકે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ઝેરી વરસાદ વરસે છે, તેને લઇ પાક તેમજ બાગાયતી પાક પર પણ વિપરીત અસર થઇ શકે છે. હાલ મગફળી, કપાસ, ધાન્ય પાકોની સાથે સીતાફળ, રેમજ, ચીકુના પાક પર અસર જોવા મળી શકે છે. કેમ કે, આ નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 તારીખથી શરુ થઇ 26ના રોજ પૂરું થશે અને તેનું વાહન હાથી છે, ત્યારે રમણીક વામજાએ ખેડૂતોને અપીલ કરી છે કે પાણી હોય તો પાન આવવા દેવું. કેમ કે, પાછોતરો વરસાદ થવાથી પાકને પાણીની જરૂરિયાત ઉભી થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થઇ શકે છે. ખાસ કરીને સુરત, અમરેલી સહિત ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. આ દરમિયાન 2થી 4 ઇંચ વરસાદનું અનુમાન કર્યું છે.