Vishabd | એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી

એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 08:57 AM , 11 September, 2024
Whatsapp Group

ગુજરાતમાં થોડા વિરામ બાદ રાજ્યનાં દક્ષિણ, મધ્ય અને ઉત્તરના ભાગોમાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હજી 24 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 49 ટકા વધારે વરસાદ પડ્યો છે.

અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આજે પણ વરસાદ જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે. ત્રીજા દિવસથી કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 12થી 14 સપ્ટેમ્બર, આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

અભિમન્યુ ચૌહાણે આગાહીમાં વધુમાં જણાવ્યું કે, એક ડીપ ડિપ્રેશન બનેલું છે. જેના કારણે હાલ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ સાથે એક ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત પર બનેલું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સર્જાયેલી છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 49 ટકા વધારે વરસાદ પડ્યો છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ