Temperature of Gujarat : રાજ્યમાં ગુલાબી-ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ભારે ગરમીનો અહેસાસ થાય છે. આ મિક્સ ઋતુના કારણે શરદી-તાવ જેવી અનેક પ્રકારની બીમારીઓમાં પણ વધારો થયો છે. હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવામાં હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ઠંડી માટે હજી રાહ જોવી પડશે, હવામાન ખાતાએ તાપમાનના કેવા ફેરફારો થશે તે અંગે જણાવ્યું!
હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં પણ હવામાન સૂકું રહેવાની શક્યતા સાથે કેટલીક જરુરી માહિતીઓ પણ આપી છે. અમદાવાદના હવામાન કેન્દ્રના વડા એ.કે. દાસ દ્વારા રાજ્યના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારો ન થવાની શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસું ગયા પછી ગુજરાતમાં શિયાળાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, જે ખેડૂતો માટે પણ ખુબજ મહત્વનું છે, સારા શિયાળુ પાક માટે તાપમાનમાં ઘટાડો થાય તે જરુરી છે.
અમદાવાદના હવામાન કેન્દ્રના વડા એ.કે. દાસ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારો થવાની સંભાવના નથી. નવેમ્બર માસમાં સામાન્ય રીતે ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે હવામાન ખાતા દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહી શકે છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાય તેની પાછળ ઉત્તર ભારતમાં થનારી હિમવર્ષા છે, જેથી ભારતમાં હિમવર્ષા થાય અને ઉત્તરથી આવતા પવનો હોય તો ઠંડીનું પ્રમાણ વધતું હોય છે.