PM-Kisan scheme : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ પ્રાપ્ત વાર્ષિક રકમ ₹6,000 થી વધીને ₹8,000 થઈ શકે છે. દેશભરના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવે. દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.
વર્ષ 2025માં 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. આ જ કારણ છે કે આ વખતે ખેડૂતોને નાણાપ્રધાન નિર્મલા સીતારમન પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નાના અને સીમાંત ખેડૂતોને રાહત આપવા માટે, સરકાર આ યોજના હેઠળ 3 સરખા હપ્તામાં વાર્ષિક ₹6,000 પ્રદાન કરે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર PM-કિસાન યોજનાને વધુ ખેડૂતો સુધી લઈ જવાના પડકારનો સામનો કરી રહી છે. જોકે, તે સમયે તેમણે રકમ વધારવાને લઈને કોઈ ખાતરી આપી ન હતી. પરંતુ આ વખતે સરકાર ખેડૂતો માટે કેટલીક જાહેરાત કરે તેવી અપેક્ષા છે. હાલમાં સરકાર વાર્ષિક ₹6,000 થી વધારીને ₹8,000 કરવાનું વિચારી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજના હેઠળ 18 હપ્તા બહાર પાડ્યા છે. ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવી શકે છે. આ હપ્તો સીધા લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો છે. નિષ્ણાતોનું માનવું એ છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતા ₹6, 000ના હપ્તામાં વધારો કરવો જરૂરી છે. આનાથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળશે અને તેઓ તેમની ખેતીનું વધુ સારી રીતે સંચાલન કરી શકશે.
હવે બધાની નજર કેન્દ્રીય બજેટ 2025 પર છે. જો રકમ વધારવાની જાહેરાત થશે તો લાખો ખેડૂતોને મોટી રાહત મળી શકે. ખેડૂત સમુદાયને એ અપેક્ષા છે કે સરકાર તેમની જરૂરિયાતોને સમજશે અને આ મોટું પગલું ભરશે.