આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, ત્યારે આજે અને આવનારા ત્રણ દિવસ દરમિયાન વરસાદ કેવો રહેશે? તે અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું. ગઇકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે.
તેમણે જણાવ્યું કે, આજે 29મી તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત રિઝનમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હેવી આયસોલેટેડની આગાહી છે.
30 તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીમાં હેવી આયસોલેટેડની આગાહી છે.
જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી, વસલાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે.
જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ વોર્નિંગ છે. આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે. ઉપરાંત 35થી 45 કિલોમીટર પ્રતિકલાક પવનની ગતિ રહેશે.