રાજ્યમાં ફરીથી મેઘરાજાએ રંગત જમાવી છે. આજે રવિવારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં વરસાદી માહોલની સંભાવના છે. જ્યારે દાહોદમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો એની સાથે અમદાવાદ જિલ્લા સહિત 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે નર્મદ નદીનું જળ સ્તર પણ વધી રહ્યુ છે જેના કારણે નદી પાસેના નીચાણવાળા વિસ્તારોનાં લોકોને સાવચેત રહેવાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
17મીએ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત જે જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે તેમાં છોડાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે તેમના અનુમાનમાં જણાવ્યું કે, વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની સંભાવના છે. વેલ માર્ક લો પ્રેશરને કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, સોમવારે 18મીએ પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તારીખે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અમદાવાદ, ખેડા, અરાવાલ્લી અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.