ગુજરાતમાં હાલ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. વરસાદ ક્યારે આવશે તેવું લોકો વિચારી રહ્યાં છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમણે કહ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે.
26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે. આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા રહી શકે છે. 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે.
ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડું આવશે
ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.
આ વર્ષે શિયાળો હાહાકાર મચાવશે
તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.
અલ નીનો કારણે કાતિલ ઠંડી પડશે
ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા અનુમાન મુજબ, ભારતમાં આ વર્ષે શિયાળો કાતિલ બની રહેવાનો છે. IMD એ સપ્ટેમ્બર 2024 માં લા નીના ઘટનાની શરૂઆત તરફ ધ્યાન દોર્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને વરસાદમાં વધારો થવાની ધારણા છે.
લા નીના, અલ નીનોનો ઠંડો સમકક્ષ, વિષુવવૃત્તીય પેસિફિકમાં દરિયાની સપાટીના નીચા તાપમાન દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે ઠંડા અને સખત શિયાળો સહિત વ્યાપક આબોહવાની અસરો તરફ દોરી જાય છે.
દરિયો પણ ઠંડોગાર બનશે
2 સપ્ટેમ્બર, 2024 ના રોજ IMD એ કરેલી જાહેરાત અનુસાર, લા નીનાને કારણે તીવ્ર શિયાળો આવવાની શક્યતા છે. સામાન્ય રીતે, લા નીના એપ્રિલ અને જૂન વચ્ચે શરૂ થાય છે, ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચે મજબૂત બને છે અને નવ મહિનાથી બે વર્ષ સુધી ચાલે છે. તે સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલતા મજબૂત પૂર્વીય પવનો દ્વારા ચલાવવામાં આવે છે, જે સમુદ્રની સપાટીને ઠંડુ કરે છે. આ અલ નીનો સાથે વિરોધાભાસી છે, જે ગરમ પરિસ્થિતિઓ લાવે છે.
શિયાળુ પાક પર અસર પડશે
ભારતમાં વિવિધ પ્રદેશોમાં શિયાળાની તીવ્રતાની વિવિધ ડિગ્રીનો અનુભવ થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર જેવા ઉત્તરીય રાજ્યોમાં ખાસ કરીને ઠંડકની સ્થિતિ જોવા મળી શકે છે, જેમાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું થઈ શકે છે. વધુમાં, ઠંડા હવામાન અને વધેલા વરસાદનું સંયોજન ખેતી પર અસર કરી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જે શિયાળાના પાક પર આધાર રાખે છે.