રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે હજુ પણ વરસાદ પૂરજોશમાં વરસશે તેવું લાગી રહ્યું છે. કેમ કે, સતત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. આવામાં ગુજરાતના હવામાનને લઇને એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. આખા દેશમાં 7 સિસ્ટમ સક્રિય છે. જ્યારે ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી 4 સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવ્યું છે. ચાલો, જાણીએ ક્યાં-ક્યાં સક્રિય છે.
ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી 4 સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આટલું જ નહીં, રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઈન છે.
આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. તે સિવાય અન્ય 25 જેટલા રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
નોંધનીય છે કે, આજે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બે દિવસ આખા રાજ્યમાં ગાજવીજ થવાની આગાહી છે. આ સાથે પાંચ દિવસ માછીમારો માટે ચેતવણી પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.